"અમે શ્વાસ નથી લઇ શકતા" શ્રમિક કહે છે.
તેલંગાનાના નાલગોંડા જિલ્લાના આ પ્રાપ્તિ કેન્દ્ર (પ્રોક્યોરમેન્ટ સેન્ટર)માં આ શ્રમિકો જે માસ્ક પેહરે છે તે પરસેવે રેબઝેબ છે. ડાંગરના ઢગલામાંથી ઉઠતી ધૂળ ને કારણે તેમની ચામડીએ ખંજવાળ ઉઠે છે અને તેનાથી તેમને છીંક અને ઉધરસ આવે છે. તેઓ દિવસમાં કેટલા માસ્ક બદલશે? તેઓ કેટલી વાર પોતાના હાથ અને મોં ધોઈ અને લૂછી શકશે? જ્યારે તેમને ૧૦ કલાકમાં ૪૦કિલોના ૩૨૦૦ કોથળા ભરવા, ખેંચવા, તોલવા, સીવવા અને છેલ્લે ઉપાડીને ટ્રકમાં ભરવાના હોય છે, તેઓ કેટલી વાર પોતાના મોં ઢાંકી રાખી શકશે?
હિસાબ લગાડો તો ૪૩-૪૪ ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં ૪૮ શ્રમિકો ૧૨૮ ટન ડાંગરની વ્યવસ્થા કરે છે - મતલબ દર મિનિટે ૨૧૩ કિલો. તેમનું કામ સવારે ૩ વાગે શરુ થાય છે અને બપોરે ૧ વાગે પતે છે, જેમાંથી લગભગ ૪ કલાક, સવારે ૯ વાગ્યાથી, એકદમ તાપ અને શુષ્ક ગરમીના હોય છે.
આ ફોટો કંગલ મંડળના કંગલ ગામના ડાંગર પ્રાપ્તિ કેન્દ્રના છે. રાજકીય કૃષિ મંત્રી નિરંજન રેડ્ડીએ સ્થાનિક મીડિયાને કહ્યું કે તેલંગાનામાં આવા ૭૦૦૦ કેન્દ્ર છે. માસ્ક પહેરવું અને બીજા લોકોથી અંતર જાળવવી રાખવું ગમે એટલું ડહાપણ ભર્યું કામ કેમ ના હોય જયારે તમે કંગલ ગામના ડાંગર પ્રાપ્તિ કેન્દ્રમાં કામ કરતા હો ત્યારે લગભગ અશક્ય છે.
અને આ બધી મેહનત પછી તેમની કમાણી કેટલી હોય છે? આ પ્રાપ્તિ કેન્દ્રમાં ૧૨ શ્રમિકોના ૪ જૂથ હતા અને પ્રત્યેક શ્રમિકે દિવસના આશરે ૯૦૦ રૂપિયા કમાયા. પણ તકલીફ એ છે કે આ કામ રોજનું નથી, દર બીજે દિવસે જ મળે છે. અહીં કામ કરી રહ્યા દર શ્રમિકને ૪૫ દિવસના પ્રાપ્તિ સમયમાંથી ૨૩ દિવસ આ કામ મળશે, અને આશરે ૨૦,૭૫૦ રૂપિયા કમાશે.
આ વર્ષે રબી ઋતુમાં ડાંગરની પ્રાપ્તિ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં શરુ થઇ હતી, એટલે કે માર્ચ ૨૩ થી મે ૩૧ના લોકડાઉન સમયની વચ્ચે.

આ પ્રકારના કામમાં એક જૂથ બનાવવાની જરૂર પડે છે, જેથી એક ઢગલા પર એક સાથે ૧૦-૧૨ શ્રમિકો કામ કરી શકે. કંગલ પ્રાપ્તિ કેન્દ્રમાં આવા ૪ જૂથ છે, જે ૧૦ કલાકમાં ૧૨૮ ટન ડાંગરને ઠેકાણે પાડે છે.

બે શ્રમિકો ૪૦ કિલોનો કોથળો ફટાફટ ભરે છે. ચોખાનાં ઢગલામાંથી સફેદ ધૂળ ઉડે છે. આ ધૂળથી ચામડી પર સખત ખંજવાળ ઉપડે છે, જે ફક્ત નાહવાથી જ જાય છે.

એમણે પહેલા પ્રયાસમાં કોથળામાં લગભગ 40 કિલો ડાંગર ભરવી પડે છે. વારંવાર વધારે ભરીને હટાવે, કે ખોટ પુરી કરવા જાય, તો કામ 1 વાગ્યાથી વધારે લાબું ખેંચાય.

શ્રમિકો કોથળાને દોરવા ધાતુના નકુચા વાપરે છે અને ઘણી વાર આ સાધન એક બીજાને વહેંચે છે. દરેક વસ્તુને દર વખતે સેનિટાઇઝ કરવું સંભવ નથી.

તલારી રવિ (જમણી બાજુ) આ જૂથના વડા છે. બધા કોથળા સરખી રીતે ભરાઈ જાય અને કામ 1 વાગ્યા પહેલા પૂરું થઇ જાય તે તેમની જવાબદારી છે.

દરેક જૂથ વજન કાંટાને એક ઢગલાથી બીજા ઢગલા પર લઇ જાય છે. જો કોઈ સેનિટાઇઝર કે સફાઈ ઉત્પાદન અહીંયાં મળે, (અને આવા કેન્દ્રોમાં નથી મળતાં), તો પણ દર વખતે વજન કાંટાને સેનિટાઇઝ કરવું શક્ય નથી કેમકે તેનાથી કામ લંબાય છે.

આ શ્રમિકો માટે ઝડપ સૌથી મહત્વપૂર્ણ છે. તેઓ એક મિનિટમાં 4-5 કોથળા તોલી લે છે.

કોથળા સીવવાની તૈયારી. આ કામ એક જણનું નથી - એક ગાંસડી પકડશે અને બીજો શ્રમિક જરૂર પ્રમાણે કાપશે.

શ્રમિકો કોથળા દોરે છે, તેમનું વજન કરે છે અને પંક્તિમાં ગોઠવે છે, જેથી તેમને સરળતાથી ગળી શકાય.

બપોરે ૧૨ વાગ્યા સુધી બધા જૂથ - આશરે ૪૦ થી ૫૦ શ્રમિકો - ૩૨૦૦ કોથળા ૫ ટ્રકમાં ભરી દે છે.

રૂપિયા મળે છે. તે દિવસે જેમણે ત્યાં કામ કર્યું તેઓ આ પૈસા એકસરખા આપસમાં વહેંચી લે છે. જેણે આજે કામ કર્યું તેને ફરી કામ કરવાની તક એક દિવસના અંતર પછી જ મળશે.
અનુવાદ: શ્વેતલ વ્યાસ પારે