મીરામણભાઈ ચાવડા 12 વર્ષના હતા ત્યારે તેમની પર આખા પરિવારની જવાબદારી આવી પડી. જ્યારે તેના માતાપિતાનું અવસાન થયું, ત્યારે મોટા દીકરા તરીકે, તેમણે પોતાના બે ભાઈઓ અને બે બહેનોને પાળવા પોષવાની જવાબદારી સંભાળી લીધી. આ જવાબદારી તેમણે ગામના સ્થાનિક લોકો અને એ વેપારીઓને વાસણો બનાવીને, વેચીને અદા કરી, જે તેમનો માલ દૂરદૂરનાં ગામડાંઓમાં લઈ જતાં હતા. પડોશના ૧૦ ગામોમાં તેઓ એકમાત્ર કુંભાર હતા.
ઘણા દાયકાઓ પછી આજે પણ, મીરામણભાઈ તેમના ચાકડા પાસે બેસીને માટીના વાસણોને આકાર આપે છે, આ લુપ્ત થતી કળા પર એક કલાકની મજૂરી તેમને રૂ. 100 રૂપિયા રળી આપશે. તે દિવસમાં ચાર કલાક કામ કરે છે, અને માટીનું વાસણ તૈયાર થયાં પછી તેમની આવક તે વાસણના વેચાણ પર આધાર રાખે છે. દિવસ સારો હોય તો ચાર-પાંચ માટીના વાસણો વેચાય અને 450 રૂપિયા સુધી મળી શકે. પરંતુ આવા સારા દિવસો ભાગ્યે જ આવે છે.
“એક જમાનો હતો જયારે લોકો માટીના વાસણના સામે અનાજ, કઠોળ, કપડાં અને પગરખાં સાટે લેતાં . જીવન સારું હતું,” તેઓ ભૂતકાળને યાદ કરતા કહે છે. તેમની પાસે જમીન ના હોવાથી તેમણે પરિવાર ને જોઈતું મોટાભાગનું કરિયાણું આ કામ કરીને જ મેળવ્યું હતું.
મીરામણનો જન્મ ગુજરાતના પોરબંદર જિલ્લાના મેખડી ગામમાં થયો હતો. જ્યારે તેમના પર પરિવારની જવાબદારી આવી, ત્યારે તેઓ પરિવાર સાથે જૂનાગઢ જિલ્લાના ચાખવા ગામમાં રહેવા ગયા, જે પ્રદેશ તે સમયે નવાબોના શાસન હેઠળ હતો. “હું પણ રસોડામાં ખૂબ મદદ કરતો . નવાબ તેમની વિધિઓ ઉત્સવો માટે મારા પર વિશ્વાસ રાખતા.” તેઓ ઉત્સાહથી તે સમયનું વર્ણન કરે છે.
મીરામણ, નવાબ માટે વાસણો બનાવતા. "જ્યારે પણ મને નવાબ જમાલ બખ્તે બાબી બોલાવતા, ત્યારે હું અહીંથી વહેલી સવારે નીકળીને ૭૧ કિલોમીટર ચાલીને સાંજે જૂનાગઢ પહોંચી જતો. મને ૧૨ આના જેટલું ટ્રેનનું ભાડું પરવડી શકે તેમ નહોતું, કારણ કે હું પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો અને મારે બે બહેનોનાં લગ્ન કરાવવાનાં હતાં," તેમણે કહ્યું.
મીરામણને યાદ છે કે ૧૯૪૭માં જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે તે33 વર્ષના હતા . આ સાથે આજે તેમની ઉંમર ૧૦૦ વર્ષથી વધુ થઈ જાય છે. આ ઉંમરે પણ તેઓ વાસણો કેવી રીતે બનાવે છે? જવાબમાં તેઓ કહે છે કે,"દરેક વ્યક્તિ કંઈક કરવા માટે જન્મે છે. તેઓ કોઈપણ સંજોગોમાં તે કાર્ય કરવા માટે બંધાયેલી છે, જાણે એ કામ કરનાર તે એકમાત્ર વ્યક્તિ ના હોય એમ. . હું મારા બાળપણ, યુવાની અને જવાબદારીના દિવસોમાં આ કલા અને સર્જન સાથે જોડાયેલો રહ્યો. હવે હું કેમ અટકું? હું કલા સાથે જીવ્યો અને હું કલા સાથે જ મરીશ," અમે તેમના નાના યાર્ડની મુલાકાત લીધી, જ્યાં તેમની પાસે માટીકામના સાધનો અને વાસણોનો આકર્ષક સંગ્રહ છે.

મીરામણભાઈ ચાવડા કહે છે : 'દરેક વ્યક્તિ કશુંક કરવા માટે જન્મે છે'

ચાકડો ફેરવીને અને આકાર આપીને બનશે માટીના વાસણો ને મળશે રૂ . 100

લાકડાના ચક્ર અથવા ' ચકડા ' નો ઉપયોગ માટીના વાસણો , ફૂલદાની , છાશના વાસણો , રસોઈના વાસણો અને અન્ય માટીની વસ્તુઓને આકાર આપવા માટેના પ્લેટફોર્મ તરીકે થાય છે

ચાકડાને એક આણીદાર લોખંડના સ્ટેન્ડ પર મૂકવામાં આવે છે જેને ગુજરાતીમાં ખલ કહે છે

આ ચાકડા માટેનું ' ખલ ' અથવા લોખંડનું સ્ટેન્ડ છે

માટલાં તૈયાર છે

માટી , વાસણ બનાવવા માટે તૈયાર છે . લાકડી ચાકડા પરના કાણામાં નાખવામાં છે તેનાથી ચાકડો ફેરવવામાં આવે છે . જ્યારે ચાકડો પૂરતી ઝડપે ફરે છે , ત્યારે ચાકડાની વચ્ચે મૂકેલી માટી પર કલાકારી શરૂ થાય છે

નાજુક આંગળીઓ જાણે નિરાકાર કાદવને આકાર આપી આ માટલાં જેવી સુંદર રચનાઓ આપવા માટે દબાણ કરે છે , જે સ્થાનિક રીતે ‘ ગોરી ’ તરીકે ઓળખાય છે . મીરામણ હસે છે અને કુંભારના આ ચાકડા પર હાથ અજમાવવા માટે મારી તરફ ઇશારો કરે છે
અનુવાદક: પાર્થ ત્રિવેદી