આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
હોમ અગેઇન , હોમ અગેઇન …
હકીકતમાં તેમણે પહેલેથી જ રસોઈ કરી લીધી છે. તેઓ જીવનનિર્વાહ માટે ખજૂરના રસ પર પક્રિયા કરી ગોળ (કાકવી) બનાવીને વેચતા તમિલનાડુના એક પરિવારમાંથી છે. તેઓ ખૂબ મોટા વાસણમાં જે હલાવી રહ્યા છે તે એ જ સામગ્રી છે. તેમની એક નાનીસરખી ભૂલ પણ આ પરિવારની આગામી થોડા દિવસોની આવક છીનવી લઈ શકે છે.
આ કામ કરવામાં તેમને થોડો સમય લાગશે. રસોઈમાં પણ સમય લાગ્યો હતો. આખો દિવસ કોઈને કોઈ કામ કરતી વખતે તેમણે કલાકોના કલાકો ધુમાડો શ્વાસમાં લેતાં ગાળવા પડે છે. અને તેમને - એક મહિલા તરીકે - ફાળવવામાં આવેલા બીજા તમામ કામોમાં આ કામ સૌથી મહત્ત્વનું છે. ખૂબ જ નાની ઉંમરથી આ જવાબદારી તેમના પર લાદવામાં આવતી હોવાથી તેઓ - અને તેમના જેવા લાખો - ખૂબ નાની ઉંમરે અધવચ્ચે જ શાળા છોડી દે છે.
ઘરમાં ઘણા કામો કરવાના છે. આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમમાં માથે ટોપલી લઈને જતી યુવતી (નીચે વચ્ચે) ને હજી રસોઈ શરૂ કરવાની જ બાકી છે. તેમણે કલાકો સુધી ખેતરોમાં ફરી-ફરીને શોધી-શોધીને રસોઈ માટે અને બીજા કામો માટે બળતણ એકઠું કર્યું છે. એ જ ગામમાં તેમના પાડોશી મહિલાએ પહેલેથી જ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે - જોકે તેઓ પ્રમાણમાં થોડા વધુ ખુલ્લા વિસ્તારમાં આ કામ કરી રહ્યા છે.
આ પાડોશી મહિલા પ્રમાણમાં નસીબદાર છે. ઘણી મહિલાઓ તો સાવ નાની, બારી વગરની જગ્યાઓમાં રસોઈ બનાવે છે. અને રાંધવાના બળતણમાંથી નીકળતો ભારે ધુમાડો આ મહિલાઓ માટે પ્રદૂષિત ફેક્ટરીઓમાં કામ કરતા ઔદ્યોગિક કામદારો કરતાં વધુ જોખમો ઊભા કરે છે.



ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં આ મહિલા (ઉપર ડાબે) અનાજ કૂટવાનું કામ કરી રહી છે. પહેલી નજરે સહેલું લાગતું આ કામ ઘણી વધુ તાકાત અને મહેનત માગી લે છે. આ મહિલા ખાવાનું બનાવવાની તૈયારી કરવાના અથવા અનાજ પર પ્રક્રિયા કરવાના આવા ઘણા કામો કરે છે તેમાંનું આ એક છે. અનાજ પર પ્રક્રિયા કરવાની પ્રવૃત્તિ એ મોટેભાગે મહિલાઓનું કામ છે. આ બધા ઉપરાંત અને બાળકોને ઉછેરવા ઉપરાંત તેઓએ પશુઓનું પણ ધ્યાન રાખવું પડે છે.
બીજા નાના-મોટા કામોમાં કપડાં ધોવા, (અનાજ) દળવું, શાકભાજી સમારવા, વાસણો સાફ કરવા અને પરિવારના જુદા જુદા સભ્યોને અલગ-અલગ સમયે ખવડાવવાનો સમાવેશ થાય છે. બીમાર સંબંધીઓની સંભાળ રાખવી એ હંમેશા મહિલાઓની જવાબદારી છે. આ તમામ કામોને 'મહિલાઓના કામ' તરીકે જોવામાં આવે છે - અને તે કામો માટે તેમને ક્યારેય ચૂકવણી કરવામાં આવતી નથી. આ અર્થમાં ગ્રામીણ મહિલાઓ શહેરી મહિલાઓથી અલગ નથી. પરંતુ પાણી અને બળતણ લાવવા માટે કાપવું પડતું લાંબુ અંતર અને ખેતરોમાં કરવા પડતા વિવિધ પ્રકારના કામ ગ્રામીણ મહિલાઓના બોજમાં વધારો કરે છે.


ઉદાહરણ તરીકે ઝારખંડના પલામૂમાં આ આદીવાસી મહિલા રાંધવા માટે ગેટ્ટીના મૂળ તૈયાર કરી રહી છે (ઉપરના ત્રણ ફોટામાં છેક જમણે) . દુષ્કાળના સમયમાં આ મૂળ મેળવવાનું સરળ નથી હોતું. તેમણે મોટાભાગની સવાર જંગલમાં આ જ કામ કરવામાં વિતાવી છે. પહેલેથી જ પાણી લાવવામાં તેમણે ઘણો સમય ગુમાવ્યો છે, પરંતુ હજી કદાચ વધુ પાણી લાવવા માટે બીજો આંટો મારવો પડશે. શક્ય છે કે આ કામો કરતી વખતે રસ્તામાં તેમણે તેમના ગામની આસપાસના બાલૂમાથ જંગલમાં જંગલી પ્રાણીઓનો સામનો પણ કરવો પડે.
મહિલાઓ છેકે છેલ્લે અને ઓછામાં ઓછું ખાય છે, અને તેમને ખૂબ જ ઓછો આરામ મળે છે. તેથી શરીરની તમામ તાકાત નીચોવી નાખતી આ દિનચર્યાઓથી તેમનું સ્વાસ્થ્ય કથળે છે.


અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક