યેળિલ અન્નાની સ્મૃતિ મને જકડી રાખે છે અને કોઈ જાદુઈ તાકાતથી મને એક પ્રવાહમાં ખેંચી જાય છે. એ સ્મૃતિઓ મને ગુંજતાં ઘટાટોપ રંગબેરંગી જંગલોમાંથી પસાર થઈને, ડોલતાં ઊંચા વૃક્ષોની વચ્ચે લઈ જાય છે, કે પછી લઈ જાય છે જિપ્સી રાજાઓની વાર્તાઓમાં અને ડુંગરાની ટોચે. ત્યાંથી જગત એક સપના જેવું લાગે છે. ને પછી અચાનક અન્ના [મોટાભાઈ] મને ફંગોળે છે ઠંડી રાતની હવામાં તારાઓની વચ્ચે. પછી તેઓ મને જમીન તરફ ધકેલતા રહે છે, જ્યાં સુધી હું માટીમાં ફેરવાઈ ન જાઉં ત્યાં સુધી.
તેઓ માટીના બનેલા હતા. તેમનું જીવન જ એવું હતું. એક રંગલો, એક શિક્ષક, એક બાળક, એક અભિનેતા, તેઓ માટી જેવા લવચીક હતા. યેળિલ અન્ના, તેમણે મને માટીમાંથી ઘડ્યો છે.
તેમણે બાળકોને કહેલી રાજા-મહારાજાઓની વાર્તાઓમાં ઉછરીને હું મોટો થયો છું. પરંતુ હવે મારે કહેવી જોઈએ એમની વાર્તા, મારી પાછળ અને મારા ફોટોગ્રાફ્સની પાછળ રહેલ એ વ્યક્તિવિશેષની વાર્તા. પાંચ વર્ષ કરતાંય વધુ સમયથી મારી અંદર જીવી રહી છે એ વાર્તા.
*****
આર. યેળિલરસન એ રંગલાનો રાજા છે, આમતેમ કૂદાકડા મારતો એક ઉંદર, ભવાં ચડાવતું એક રંગબેરંગી પક્ષી, થોડુંઘણું દુષ્ટ એવું એક વરુ કે પછી ધીમી મર્દાની ચાલે ચાલતો એક સિંહ. બધાંયનો આધાર છે એ દિવસની વાર્તા પર. વાર્તાઓ જે છેલ્લા 30 વર્ષ કરતાંય વધુ સમયથી તમિળનાડુના જંગલો અને શહેરોમાં પ્રવાસ કરતી વખતે તેઓ પોતાની પીઠ પર મોટા લીલા થેલામાં લઈને ફરી રહ્યા છે.
2018 ની વાત છે. અમે નાગાપટ્ટનમમાં સરકારી શાળાના પરિસરમાં છીએ. ગાજા ચક્રવાતને કારણે મૂળસોતાં ઉખડી ગયેલા વૃક્ષોમાંથી કાપેલા લાકડાના ઢગનાઢગ શાળાના પરિસરમાં ઠેરઠેર પડ્યા છે. લાકડાના આવા ઢગલાઓથી શાળાનું આ પરિસર એક બંધ પડી ગયેલ સો-મિલ (કાપેલા લાકડાના પાટિયા બનાવતા કારખાના) ન હોય એવું લાગે છે. પરંતુ તમિળનાડુના આ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાના આ એકાકી, ઉદાસ, નિરાશ અને જીર્ણશીર્ણ પરિસરના એક ખૂણામાંથી સંભળાતી બાળકોના ઉત્સાહભર્યા હાસ્યની કિલકારીઓથી પરિસરનો દેખાવ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે.
“વંદાણએ દિન્ન પારંગ કટ્ટિયકારન આમા કટ્ટિયકારન. વારણએ દિન્ન પારંગ [જુઓ, જુઓ, રંગલો આવ્યો છે, અરે હા, રંગલો આવી રહ્યો છે, જુઓ, જુઓ].”

યેળિલ અન્ના બાળકોને નાટક માટે તૈયાર કરતા પહેલા તેમની સાથે બેસે છે, તેમને તેમના રસ-રુચિ વિશે સવાલો પૂછે છે

2018 માં ગાજા ચક્રવાત પછી નાગાપટ્ટિનમમાં અન્નાએ આયોજિત કરેલ કલા શિબિર જ બાળકોને અને તેમના હાસ્યને ફરી એકવાર વર્ગખંડમાં પાછા લઈ આવી
સફેદ અને પીળા રંગે રંગાયેલો ચહેરો, ત્રણ લાલ ટપકાં - એક નાક પર અને બે ગાલ પર, માથા પર કામચલાઉ રંગલા-ટોપી તરીકે આકાશી વાદળી રંગની પ્લાસ્ટિકની થેલી, હોઠ પર એક રમુજી ગીત અને હાથપગમાં એક બેફિકર લય - તેઓ હાસ્ય-હુલ્લડ જેવા દેખાતા. ઘોંઘાટ સામાન્ય હતો. યેળિલ અન્નાની કલા શિબિરો આ રીતે શરૂ થાય છે, પછી એ જવ્વાદ પહાડીઓની નાનકડી સરકારી શાળામાં હોય, કે પછી ચેન્નાઈની કોઈ મોંઘીદાટ આધુનિક ખાનગી શાળામાં, આદિવાસી બાળકો માટે સત્યમંગલમના જંગલોમાં દૂરસ્થ શિબિર હોય કે પછી હોય વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટેની શિબિર. અન્નાએ એક ગીત ગાવાનું શરુ કર્યું છે, એક નાનકડું પ્રહસન, જે બાળકોને તેમનો સંકોચ છોડી અન્ના સાથે દોડતા, રમતા અને હસતા-ગાતા કરી દેવામાં મદદ કરે છે.
એક પ્રશિક્ષિત કલાકાર, અન્નાને શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓની ક્યારેય પડી નથી હોતી. તેઓ કંઈ માગતા નથી. ન કોઈ અલગ હોટેલ કે રહેવાની વ્યવસ્થા, ન કોઈ ખાસ સાધનો. તેઓ વીજળી, અથવા પાણી અથવા વિશિષ્ટ હસ્તકલા-સામગ્રી વિના પણ તેમનું કામ કરી લે છે. તેમને તો ફક્ત બાળકોને મળવું હોય છે, તેમની સાથે વાતો કરવી હોય છે અને તેમની સાથે કામ કરવું હોય છે. બાકીનું બધું ગૌણ છે. તમે બાળકોને તેના જીવનમાંથી દૂર ન કરી શકો. બાળકોની વાત કરીએ તો, તેમને માટે તો અન્ના તેમના ખૂબ ચહીતા અને ખૂબ ઉત્સાહી વ્યક્તિ છે.
એકવાર સત્યમંગલમના એક ગામમાં તેમણે એવા બાળકો સાથે કામ કર્યું કે જેમણે તેમની જિંદગીમાં આજ પહેલા ક્યારેય રંગો જોયા જ નહોતા. આ બાળકોને તેમની કલ્પના મુજબનું કંઈક બનાવવા માટે જિંદગીમાં પહેલી જ વાર રંગો વાપરવામાં, તેમને એક સાવ નવો, નોખો અનુભવ લેવામાં અન્નાએ તેમની મદદ કરી. તેમણે તેમની કલા શાળા કળિમન વિરલગલ [માટીની આંગળીઓ] શરૂ કરી ત્યારથી છેલ્લા 22 વર્ષથી અખૂટ ઉત્સાહથી તેઓ બાળકો માટે આવા અનુભવો સર્જી રહ્યા છે. મેં તેમને ક્યારેય માંદા થઈને ખાટલે પડેલા જોયા નથી. તેમની માંદગીનો ઈલાજ છે બાળકો સાથેનું તેમનું કામ અને બાળકોની વચ્ચે પહોંચી જવા માટે તેઓ હંમેશ તૈયાર હોય છે.
અન્નાએ લગભગ 30 વર્ષ પહેલાં, 1992 માં ચેન્નઈ ફાઈન આર્ટસ કોલેજમાંથી ફાઈન આર્ટ્સમાં સ્નાતકની પદવીનો અભ્યાસક્રમ પૂરો કર્યો. તેઓ યાદ કરે છે, “કોલેજમાં મારાથી આગળના વર્ષમાં ભણતા ચિત્રકાર તિરુ તમિળસેલ્વન, કોસ્ચ્યુમ ડિઝાઈનર શ્રી પ્રભાકરન અને ચિત્રકાર શ્રી રાજમોહન મારા કોલેજકાળમાં મને ખૂબ મદદરૂપ કાળમાં થયા હતા, અને તેમણે મને મારો સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો કરવામાં મદદ કરી હતી. ટેરાકોટા શિલ્પના અભ્યાસક્રમ પછી હું કલાત્મક કૃતિઓ સાથે પ્રયોગાત્મક કામ કરવા ચેન્નઈની લલિતા કલા અકાદમીમાં જોડાયો હતો.” તેમણે થોડા સમય માટે પોતાના શિલ્પ સ્ટુડિયોમાં પણ કામ કર્યું હતું.
તેઓ કહે છે, "પરંતુ મારી કલાકૃતિઓ વેચાવા લાગી ત્યારે મને સમજાયું કે એ સામાન્ય લોકો સુધી તો પહોંચતી જ નથી. અને ત્યારે મેં જનસામાન્ય સાથે કલાત્મક પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું, અને તમિળનાડુના પાંચ ભૂસ્વરૂપો [પહાડો, દરિયા, રણ, જંગલ, ખેતરો] ના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચવાનું નક્કી કર્યું. મેં મારા બાળકો સાથે મળીને માટીના અને હસ્તકલાના રમકડા બનાવવાનું કામ શરૂ કર્યું.” તેમણે બાળકોને પેપર માસ્ક, ક્લે માસ્ક, ક્લે મોડલ બનાવતા શીખવ્યું, ડ્રોઈંગ, પેઈન્ટિંગ્સ, ગ્લાસ પેઈન્ટિંગ્સ, ઓરેગામિ શીખવ્યા.


ડાબે: સત્યમંગલમમાં બાળકોને પહેલી જ વાર રંગોના જાદુથી પરિચિત કરાઈ રહ્યા છે. જમણે: કાવેરીપટ્ટિનમમાં બાળકો કાર્ડબોર્ડ અને અખબારનો ઉપયોગ કરીને પોતાના માથા ફરતે પહેરવા સાબરશિંગા બનાવી રહ્યા છે


ડાબે: કાવેરીપટ્ટિનમમાં શિબિરના છેલ્લા દિવસે રજૂ કરાયેલા નાટક માટે જાતે જ ડિઝાઇન કરેલા અને બનાવેલા હેડગિયર્સ પહેરેલા બાળકો. જમણે: પેરમ્બલુરમાં બાળકો તેમણે બનાવેલા માટીના માસ્ક બતાવી રહ્યા છે, દરેક માસ્ક પર એક અલગ જ ભાવ અભિવ્યક્ત થયેલ છે
જ્યારે જ્યારે અમે પ્રવાસ કરીએ, પછી વાહનવ્યવહારનો પ્રકાર કોઈપણ હોય - બસ, વાન અથવા જે કોઈ વાહન મળે તે, અમારા સામાનનો સૌથી મોટો હિસ્સો હંમેશા બાળકો માટેની વસ્તુઓનો હોય. યેળિલ અન્નાનો મોટો લીલો થેલો ડ્રોઈંગ બોર્ડ, પેઈન્ટ બ્રશ, રંગો, ફેવિકોલ ટ્યુબ, બ્રાઉન બોર્ડ, ગ્લાસ પેઈન્ટ્સ, પેપર અને એવી-એવી કંઈક વસ્તુઓથી છલકાતો હોય. તેઓ અમને ચેન્નઈની નજીકના એકેએક વિસ્તારમાં લઈ ગયા હશે - એલિસ રોડથી પેરીઝ કોર્ન, ત્યાંથી ટ્રુપ્લિકેન, ને વળી ત્યાંથી એગ્મોર - જ્યાં પણ કોઈ આર્ટ સપ્લાય સ્ટોર મળી શકે ત્યાં. અને ત્યાં સુધીમાં તો અમારા પગ દુખવા લાગતા. અમારું બિલ 6-7 હજાર સુધી પહોંચી જતું.
અન્ના પાસે ક્યારેય પૂરતા પૈસા નહોતા રહેતા. તેઓ પોતાના મિત્રો પાસેથી, નાના- મોટા કામ કરીને તેમાંથી અને ખાનગી શાળાઓ સાથેના તેમના પોતાના કામમાંથી ભંડોળ ઊભું કરતા, જેથી આદિવાસી અથવા વિકલાંગ બાળકો માટે મફત કલા શિબિરો થઈ શકે. હું યેળિલ અન્ના સાથે પ્રવાસ કરી રહ્યો છું તે પાંચ વર્ષમાં મેં ક્યારેય તેમને જીવન પ્રત્યેનો ઉત્સાહ ગુમાવતા જોયા નથી. તેમણે ક્યારેય પોતાના માટે કંઈ બચાવવાનું વિચાર્યું જ નથી, જો કે તેમની પાસે બચાવવા જોગ કંઈ બચ્યું જ નથી. તેઓ જે કંઈ કમાતા એ મારા જેવા સહ-કલાકારો સાથે વહેંચી લેતા.
અન્નાના મતે (આધુનિક) શિક્ષણ પ્રણાલી બાળકોને જે શીખવવામાં નિષ્ફળ ગઈ છે એ સઘળું તેમને શીખવવા માટે કેટલીકવાર ખરીદવાને બદલે તેઓ નવી સામગ્રી શોધી કાઢતા. કલાકૃતિ બનાવવા માટે તેઓ તેમને સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા. માટી સરળતાથી મળી શકે છે, અને તેઓ અવારનવાર તેનો ઉપયોગ કરતા. પરંતુ તેઓ પોતે જાતે જ એ તૈયાર કરતા, કાંપ અને પથ્થરો દૂર કરવાથી માંડીને માટીના મોટા ગાંગડા તોડીને એને ઓગળવા, ચાળવા ને સૂકવવા સુધીનું બધું જ. માટી મને તેમની અને તેમના જીવનની યાદ અપાવે છે. બાળકોના જીવન સાથે જોડાયેલ અને લવચીક. તેઓ બાળકોને માસ્ક બનાવતા શીખવતા હોય એ જોવું એક રોમાંચક અનુભવ છે. દરેક માસ્ક પર એક અલગ જ ભાવ અભિવ્યક્ત થયો હશે, પરંતુ બાળકોના ચહેરા પર શુદ્ધ આનંદનો એકસરખો જ ભાવ અભિવ્યક્ત થશે.
માટી ઉઠાવીને બાળકો તેમાંથી માસ્ક બનાવે છે ત્યારે જે ખુશી મળે છે તે અમૂલ્ય છે. યેળિલ અન્ના બાળકોને તેમના જીવન સાથે સંબંધિત કલ્પનાઓ વિશે વિચારતા કરી દેતા. તેઓ બાળકોને તેમના રસ-રુચિ વિશે પૂછતા રહેતા, અને તેને અનુસરવાનું કહેતા. કેટલાક બાળકો પાણીની ટાંકી બનાવતા કારણ કે તેમના ઘરમાં પાણી ઓછું હતું અથવા સાવ જ નહોતું. તો વળી કેટલાક બીજા હાથીઓ પર પસંદગી ઉતારતા. પરંતુ જંગલોમાં રહેતા બાળકો સૂંઢ ઊંચી કરેલા હાથીઓ બનાવતા, જે આ મહાકાય પ્રાણી સાથેના તેમના સુંદર સંબંધના પ્રતીકસમ હતું.

માટી મને હંમેશા યેળિલ અન્ના અને બાળકો સાથેના તેમના જીવનની યાદ અપાવે છે. તેઓ પોતે માટી જેવા જ લવચીક છે. તેઓ બાળકોને માસ્ક બનાવતા શીખવતા હોય એ જોવું એક રોમાંચક અનુભવ છે, અહીં નાગાપટ્ટિનમની એક શાળામાં તેઓ બાળકોને માસ્ક બનાવતા શીખવી રહ્યા છે

બાળકોને તેમના પોતાના જીવંત વિશ્વની છબીઓ અને વિચારોને તેમણે બનાવેલી કલાકૃતિઓમાં લઈ આવવા અન્ના પ્રોત્સાહિત કરે છે. ઉદાહરણ તરીકે, સત્યમંગલમના એક આદિવાસી કસ્બાના આ બાળકે, તેણે પોતે હાથીને જે રીતે જોયો છે તે રીતે, ઊંચી કરેલી સૂંઢવાળો માટીનો હાથી બનાવ્યો છે
તેઓ કલા શિબિરો માટે જે સામગ્રીનો ઉપયોગ કરતા તેના પર કાળજીપૂર્વક વિચાર કરતા. પરિપૂર્ણતા માટેની તેમની ઈચ્છા અને બાળકોને યોગ્ય પ્રકારની સામગ્રી પહોંચાડવાની કાળજીએ તેમને અમારા માટે એક આદર્શ બનાવી દીધા હતા. શિબિરની દરેક રાત્રે યેળિલ અન્ના અને બીજા લોકો બીજા દિવસ માટેના પ્રોપ્સ અને સામગ્રી તૈયાર કરતા. દૃષ્ટિહીન બાળકો સાથે વિચારોની આપલે શી રીતે કરવી એ શીખવા તેમની સાથેની શિબિર પહેલા તેઓ પોતાની આંખે પાટા બાંધી દેતા. શ્રવણ-ક્ષતિ ધરાવતા બાળકોને તાલીમ આપતા પહેલા તેઓ પોતાના કાનમાં પૂમડાં ખોસી દેતા. તેઓ જે રીતે પોતાના વિદ્યાર્થીઓના અનુભવોને સમજવાનો પ્રયાસ કરતા તેના પરથી મને મારા ફોટોગ્રાફ્સના વિષયો (સબ્જેક્ટ્સ) સાથે જોડાવાની પ્રેરણા મળી. હું ફોટોગ્રાફ ક્લિક કરી શકું તે પહેલાં તેમની સાથે અનુસંધાન સાધવું મહત્વનું હતું.
યેળિલ અન્ના ફુગ્ગાનો જાદુ બરોબર સમજી ગયા હતા. તેઓ ફુગ્ગાઓ સાથે જે રમતો રમતા એ રમતો હંમેશ તેમને નાનાં બાળકો સાથે પરસ્પર વિશ્વાસ, દોસ્તી અને સહજ લગાવ કેળવવામાં મદદરૂપ થતી. તેમના થેલામાં તેઓ ઢગલાબંધ ફુગ્ગાઓ પેક કરતા - મોટા ગોળ, લાંબા સાપ જેવા, વળ ચડાવેલા, પિપુડું વગાડતા અને પાણી ભરેલા. આ ફુગ્ગાઓ બાળકોમાં ભારે ઉત્તેજના જગાવતા. અને એ ઉપરાંત હતા ગીતો.
અન્ના કહે છે, “મારા કામ દરમિયાન મને એ પણ સમજાયું છે કે બાળકોને સતત ગીતો ગાવા હોય છે અને રમતો રમવી હોય છે, હું એવા ગીતો અને રમતો લઈને આવું છું જેમાં સામાજિક સંદેશાઓ પણ હોય. હું તેમને મારી સાથે-સાથે ગીતો ગાવા પ્રોત્સાહિત કરું છું." તેઓ જ્યાં જતા એ જગ્યાને અજવાળી દેતા. આદિવાસી ગામોના બાળકોને શિબિર પછી અન્નાથી છૂટા પાડવાનું ગમતું નહીં. તેઓ તેમને ગીતો ગાવાનું કહેતા. અન્ના થાક્યા વિના સતત ગાતા રહેતા. આસપાસ બાળકો હોય અને ગીતો પણ.
તેઓ જે રીતે વાતચીત કરવાનો પ્રયાસ કરતા, પોતાના વિદ્યાર્થીઓના અનુભવોને સમજવાનો પ્રયાસ કરતા તેના પરથી મને મારા ફોટોગ્રાફ્સના વિષયો સાથે અનુસંધાન સાધવાની પ્રેરણા મળી. શરૂઆતમાં જ્યારે ફોટોગ્રાફીની મારી સમજ હજી પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે મેં યેળિલ અન્નાને મારા ફોટોગ્રાફ્સ બતાવ્યા. તેમણે મને મારા ફોટોગ્રાફ્સ એ ફ્રેમ્સમાં રહેલા લોકો સુધી લઈ જવાનું કહ્યું. તેમણે કહ્યું, "તેઓ [એ લોકો] જ તને તારી કુશળતા આગળના સ્તર પર લઈ જતા શીખવશે."

બાળકો ઘણી વાર ઈચ્છતા હોય છે કે શિબિર પૂરી થઈ ગયા પછી પણ યેળિલ અન્ના તેમને છોડીને જતા ન રહે. ‘બાળકોને સતત ગીતો ગાવા હોય છે અને રમતો રમવી હોય છે. હું તેમને મારી સાથે-સાથે ગીતો ગાવા પ્રોત્સાહિત કરું છું'

સાલેમમાં મૂક-બધિર બાળકો માટેની એક શાળામાં ફુગ્ગાની રમત રમી રહેલા યેળિલ અન્ના
શિબિરોમાં બાળકો હંમેશા તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરતા. તેમના ચિત્રો, ઓરેગામિ અને માટીની ઢીંગલીઓ પ્રદર્શિત કરાતી. બાળકો તેમના માતા-પિતા અને ભાઈ-બહેનોને લઈને આવતા અને ગર્વથી પોતાની કલા-પ્રતિભા બતાવી તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતા. યેળિલ અન્નાએ એ નાનકડા કલા-પ્રદર્શનને બાળકો માટે એક ઉત્સવ બનાવી દેતા. તેમણે લોકોને સપનાં જોતાં કર્યાં. મારું પહેલું ફોટોગ્રાફી પ્રદર્શન એ તેમણે પોષેલું એવું જ એક સપનું હતું. તેમની શિબિરોમાંથી જ મને તેનું આયોજન કરવાની પ્રેરણા મળી હતી. પરંતુ મારી પાસે એ માટે પૈસા નહોતા.
જ્યારે જ્યારે મારી પાસે થોડાઘણા પૈસા હોય ત્યારે અન્ના હંમેશ મને મારી પ્રિન્ટ્સ તૈયાર કરી રાખવાની સલાહ આપતા. તેમણે મને કહ્યું હતું કે હું જીવનમાં ખૂબ સફળ થઈશ. તેઓ લોકોને મારા વિશે કહેતા. તેઓ તેમને મારા કામ વિશે જણાવતા. મને લાગે છે કે એ પછી બધું મને અનુકૂળ આવે તેમ થતું રહ્યું. નાટ્ય કલાકાર અને યેળિલ અન્નાના જૂથના કાર્યકર્તા કરુણા પ્રસાદે મને શરૂઆતના સૌથી પહેલા 10000 રુપિયા આપ્યા. હું પહેલી વાર મારા ફોટોગ્રાફ્સની પ્રિન્ટ્સ કઢાવી શક્યો. અન્નાએ મને મારા ફોટોગ્રાફ્સ માટે લાકડાની ફ્રેમ કેવી રીતે બનાવવી તે શીખવ્યું. તેમની પાસે સ્પષ્ટ યોજના હતી, જેના વિના હું મારું પ્રથમ પ્રદર્શન યોજી શક્યો ન હોત.
આ ફોટોગ્રાફ્સ પછીથી રંજીત અન્ના [પા. રંજીત] અને તેમના નીલમ કલ્ચરલ સેન્ટર સુધી પહોંચ્યા. પછી તો એ દુનિયાભરમાં બીજા ઘણા સ્થળોએ પહોંચ્યા પરંતુ જ્યાં આ વિચાર સૌથી પહેલા અંકુરિત થયો હતો તે સ્થળ હતું યેળિલ અન્નાની શિબિર. મેં પહેલીવાર તેમની સાથે પ્રવાસ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ઘણી બાબતોની જાણ નહોતી. પ્રવાસમાં મને ઘણુંબધું શીખવા મળ્યું. પરંતુ તેઓ જાણકાર અને કંઈ ન જાણતા હોય તેમની વચ્ચે ક્યારેય ભેદભાવ કરતા નહીં. તેઓ અમને લોકોને લઈ આવવા માટે પ્રોત્સાહિત કરતા, પછી ભલેને તેઓ ઓછા પ્રતિભાશાળી હોય. તેઓ કહેતા, "ચાલો આપણે તેમને નવી વસ્તુઓનો પરિચય કરાવીએ, ચાલો તેમની સાથે પ્રવાસ કરીએ." તેઓ ક્યારેય કોઈ વ્યક્તિની ખામીઓ જોતા નહીં. અને આ રીતે જ તેમણે કલાકારો સર્જ્યા.
તેમણે બાળકોમાંથી કલાકારો અને અભિનેતાઓ સર્જ્યા. અન્ના કહે છે, “અમે શ્રવણ-ક્ષતિ ધરાવતા બાળકોને કલાના સ્વરૂપોને અનુભવતા શીખવીએ છીએ - અમે તેમને પેઈન્ટિંગ શીખવીએ છીએ, માટીમાંથી જીવન સર્જતા શીખવીએ છીએ. દૃષ્ટિહીન બાળકોને અમે સંગીત અને નાટ્યકળા શીખવીએ છીએ. અમે તેમને માટીમાંથી ત્રિ-પરિમાણીય શિલ્પ બનાવતા પણ શીખવીએ છીએ. આનાથી દૃષ્ટિહીન બાળકોને આ કળા સમજવામાં મદદ મળી રહે છે. અમે જોઈ શક્યાં કે બાળકો જ્યારે આવા કલા સ્વરૂપો શીખે છે, સમાજ વિશેની તેમની સમજના ભાગરૂપે તેઓ જ્યારે આવા કલા સ્વરૂપો શીખે છે, ત્યારે તેઓ પણ સ્વતંત્ર હોવાનો - બીજા કોઈની પર આધાર રાખ્યા વિના જીવી શકવા સક્ષમ હોવાનો - અનુભવ કરે છે.
તાંજૌરમાં દૃષ્ટિહીન બાળકો માટેની શાળામાં યેળિલ અન્ના સાથે ગાળવા મળેલા સમયનો આનંદ માણી રહેલા બાળકો. તેમની સાથે વિચારોની આપલે શી રીતે કરવી એ શીખવા શિબિર શરૂ કરતા પહેલા તેઓ પોતાની આંખે પાટા બાંધી દે છે. શ્રવણ-ક્ષતિ ધરાવતા બાળકો સાથે કામ કરતી વખતે પણ તેઓ પોતાના કાનમાં પૂમડાં ખોસી દે છે

કાવેરીપટ્ટિનમમાં એક લોક નૃત્ય, ઓયિળ અટ્ટમનો રિયાઝ કરતા બાળકો. યેળિલ અન્ના બાળકોને વિવિધ લોક કલા સ્વરૂપોથી પરિચિત કરે છે
બાળકો સાથેના તેમના કામ દરમિયાન તેમને સમજાયું કે “ગામડાના બાળકો – ખાસ કરીને છોકરીઓ – શાળામાં પણ ખૂબ શરમાળ હતી. તેઓ શિક્ષકને કોઈ પ્રશ્ન પૂછવા કે પછી શિક્ષક આગળ કોઈક વિષયમાં પોતાની શંકા વ્યક્ત કરવા તૈયાર જ નહોતી. અન્ના કહે છે, “મેં નાટ્ય કલાના માધ્યમથી તેમને વક્તૃત્વ કલાની તાલીમ આપવાનું નક્કી કર્યું. અને આ કરવા માટે મેં પોતે થિયેટર એક્ટિવિસ્ટ કરુણા પ્રસાદ પાસેથી નાટ્યકલાની તાલીમ લીધી. કલાકાર પુરુષોત્તમનના થોડા માર્ગદર્શનથી અમે બાળકોને નાટ્યકલાની તાલીમ આપવાનું શરૂ કર્યું.
બાળકોને તાલીમ આપવા માટે તેઓ બીજા દેશોના કલાકારો પાસેથી શીખેલા વિવિધ કલા સ્વરૂપોને અપનાવવાનો પણ પ્રયાસ કરે છે. તેઓ બાળકોને તેમની આસપાસના વાતાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનું કામ કરે છે. યેળિલ અન્ના સમજાવે છે, “અમે અમારી શિબિરોના ભાગરૂપે પર્યાવરણને લગતી ફિલ્મો બતાવીએ છીએ. અમે તેમને પ્રત્યેક જીવને સમજવાની કળા શીખવીએ છીએ - પછી ભલેને એ સાવ નાનોઅમથો જીવ હોય, એ નાનકડું પક્ષી હોય કે પછી જીવજંતુ. બાળકો તેમની આસપાસના છોડને ઓળખતા શીખે છે, તેનું મહત્વ સમજે છે, તેમજ પૃથ્વીનું સન્માન કરતા અને તેને જતનથી જાળવતા શીખે છે. હું પર્યાવરણ-વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂકતા નાટકો લઈને આવ્યો છું (તેમાંથી) બાળકોને આપણા છોડ અને પ્રાણીઓનો ઈતિહાસ જાણવા મળે છે. દાખલા તરીકે સંગમ સાહિત્યમાં 99 ફૂલોનો ઉલ્લેખ છે. અમે બાળકોને આ ફૂલોના ચિત્ર દોરવા પ્રોત્સાહિત કરીએ છીએ, બાળકો આપણા પ્રાચીન સંગીત-વાદ્યો વગાડતા હોય ત્યારે સાથે-સાથે અમે તેમને આ ફૂલો વિશે ગીત ગાવા પ્રોત્સાહિત કરીએ છીએ." આ નાટકો માટે અન્ના નવા-નવા ગીતો રચતા. તેઓ જીવજંતુઓ અને પ્રાણીઓ વિશેની વાર્તાઓ બનાવતા.
યેળિલ અન્નાએ મોટાભાગે આદિવાસી અને દરિયાકાંઠાના ગામોના બાળકો સાથે કામ કર્યું હતું પરંતુ કેટલીકવાર જ્યારે તેઓ શહેરી વિસ્તારોના બાળકો સાથે કામ કરતા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે એ બાળકોને લોક કલા અને (તેના પર આધારિત) આજીવિકા વિશે કંઈ જ ખબર નહોતી. એ પછી તેમણે લોક કલામાંથી ઢોલ-નગારાનો ઉપયોગ કરતા પરઈ, પાયલ જેવા ઘરેણા સાથે રજૂ કરાતા સિલમ્બ અને વાઘના માસ્કનો ઉપયોગ કરીને રજૂ કરાતા નૃત્ય સ્વરૂપ પુળી જેવા કલા -કૌશલ્યનો સમાવેશ કરવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. યેળિલ અન્ના કહે છે, “આ કલા સ્વરૂપોને બાળકો સુધી લઈ જવાની જરૂર છે અને તેમને જાળવવાની જરૂર છે એ હકીકત હું સ્વીકારું છું. હું માનું છું કે કલાના વિવિધ સ્વરૂપો આપણા બાળકોને ખુશ અને બંધન-મુક્ત રાખવાની ક્ષમતા ધરાવે છે."
પાંચ-છ દિવસ સુધી ચાલતી શિબિરોની ટીમમાં હંમેશ એક કરતા વધુ કલાકારો રહેતા. એક સમય હતો જ્યારે અમારી સાથે એક ગાયક તમિળરસન, એક ચિત્રકાર રાકેશ કુમાર, એક શિલ્પકાર યેળિલ અન્ના અને લોક કલાકારો વેળમુરુગન અને આનંદ બધા એક જ ટીમમાં હતા. મારા કામ તરફ હળવાશથી સંકેત કરતા અન્ના કહે છે, "અલબત્ત, અમારી ટીમમાં ફોટોગ્રાફર્સ પણ છે જેઓ અમારા બાળકોને તેમના જીવનને ફોટાઓમાં દસ્તાવેજીકૃત કરતા શીખવે છે.”

તિરુચેંકોડમાં શિબિરના છેલ્લા દિવસે, 'પ્રદર્શન દિવસે', પરાઈ અટ્ટમ માટે ફ્રેમ ડ્રમ વગાડી રહેલાં બાળકો

તાંજૌરમાં ફોટોગ્રાફ્સ લઈ રહેલી આંશિક રીતે દ્રષ્ટિહીન છોકરીઓ
અન્ના સુંદર ક્ષણો સર્જી જાણે છે. એવી ક્ષણો જેમાં બાળકો અને વડીલો બેઉ મલકાય છે. તેમણે મને મારા પોતાના માતા-પિતા સાથે આવી ક્ષણો ફરીથી સર્જવામાં મદદ કરી હતી. હું મારો એન્જીનિયરિંગનો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી કોઈ નોકરી વિના કોઈ જ નિશ્ચિત ધ્યેય વિના ભટકતો હતો, જ્યારે મને ફોટોગ્રાફીમાં રસ પડવા માંડ્યો હતો, ત્યારે યેળિલ અન્નાએ મને મારા માતાપિતા સાથે પણ સમય ગાળવાનું કહ્યું. તેમણે પોતાની માતા સાથેના તેમના સંબંધ વિશેની વાતો મને કહી; તેમના પિતાના મૃત્યુ પછી તેમને અને તેમની ચાર બહેનોને તેમની માતાએ એકલે હાથે શી રીતે ઉછેર્યા હતા તેની વાતો તેમણે મને કહી. તેમની પોતાની માતાના સંઘર્ષ વિશેની આ વાતો દ્વારા જ યેળિલ અન્નાએ મને ઉછેરવા માટે મારા માતા-પિતાએ લીધેલા પરિશ્રમ વિશે વિચારવા મને મજબૂર કર્યો. આ રીતે હું મારી માતાની કદર કરતો થયો, મેં તેના ફોટા પાડ્યા, મેં તેના વિશે લખ્યું .
યેળિલ અન્ના સાથે પ્રવાસ કરવાનું શરૂ કર્યું ત્યારે હું નાટકોનું આયોજન કરતા, (ચિત્રો) દોરતા અને (તેમાં) રંગ પૂરતા અને રંગો બનાવતા શીખવા માંડ્યો, મેં બાળકોને ફોટોગ્રાફી શીખવવાનું પણ શરૂ કર્યું. તેને કારણે બાળકોની અને મારી વચ્ચે સંવાદની એક દુનિયા ખૂલી ગઈ. મેં તેમની વાતો સાંભળી, ફોટોગ્રાફ્સમાં તેમના જીવનનું દસ્તાવેજીકરણ કર્યું. બાળકોની સાથે વાતો કર્યા પછી, તેમની સાથે રમ્યા પછી, તેમની સાથે નાચ્યા પછી અને ગીતો ગાયા પછી જ્યારે હું ફોટોગ્રાફ્સ લેતો ત્યારે તે એક ઉત્સવ બની જતો. હું તેમની સાથે તેમને ઘેર ગયો, તેમની સાથે જમ્યો, તેમના માતાપિતા સાથે વાતો કરી. મને સમજાયું કે બાળકોની સાથે વાતો કર્યા પછી, તેમની સાથે સમય ગાળ્યા પછી અને તેમનામાનાં જ એક થઈને જીવ્યા પછી જ્યારે હું ફોટોગ્રાફ્સ લઉં છું ત્યારે જાણે કંઈક જાદુ થાય છે.
યેળિલ અન્નાએ કળિમન વિરલગલની શરૂઆત કરી ત્યારથી, છેલ્લા 22 વર્ષોમાં તેઓ જેના જેના જીવનને સ્પર્શ્યા છે એ દરેકના જીવનમાં તેમણે જાણે જાદુ કર્યો છે અને એ દરેકનું જીવન ઉજળું કર્યું છે. તેઓ કહે છે, “અમે આદિવાસી બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપીએ છીએ. અમે તેમને શિક્ષણનું મહત્વ સમજાવીએ છીએ. અમે છોકરીઓને સ્વરક્ષણની તાલીમ આપીએ છીએ. અમે જોયુ છે કે બાળકોને સ્વરક્ષણની તાલીમ મળે ત્યારે તેમનામાં એક અજબ આત્મવિશ્વાસ આવી જાય છે." તેઓ માને છે કે આપણે આપણા બાળકોમાં વિશ્વાસ મૂકવોજોઈએ, તેમનામાં તર્કસંગત વિચારસરણી કેળવવી જોઈએ અને તેમને વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવી જોઈએ.
તેઓ કહે છે, "અમે માનીએ છીએ કે બધા જીવો એકસમાન છે અને અમે બાળકોને એ જ શીખવીએ છીએ. બાળકોની ખુશીમાં જ મને મારી ખુશી મળે છે."

કોઈમ્બતુરની એક શાળામાં બાળકોના હાસ્યથી ઓરડાને ભરી દેનાર એક નાટ્ય કવાયત , ' મિરર ' નું નેતૃત્વ કરી રહેલા યેળિલ અન્ના

નાગાપટ્ટિનમમાં પક્ષીઓ વિશે નાટક રજૂ કરી રહેલ યેળિલ અન્ના અને તેમની ટીમ

તિરુવન્નામલાઈમાં માસ્ક , કોસ્ચ્યુમ અને પેઇન્ટેડ ચહેરા સાથે લાયન કિંગ ( સિંહ રાજા ) નાટક રજૂ કરવા માટે તૈયાર

સત્યમંગલમમાં બાળકો સાથે યેળિલ અન્ના . તમે બાળકોને તેમના જીવનમાંથી દૂર કરી ન કરી શકો . બાળકોની વાત કરીએ તો , તેમને માટે અન્ના તેમના ખૂબ ચહીતા અને ખૂબ ઉત્સાહી વ્યક્તિ છે

જવ્વાદ પહાડીઓમાં બાળકો તેમણે જાતે બનાવેલા કાગળના માસ્ક સાથે ફોટોગ્રાફ પડાવવા પોઝ આપે છે

કાંચીપુરમમાં મૂક - બધિર બાળકો માટેની એક શાળામાં ઓરેગામિ શિબિર સત્ર દરમિયાન બનાવેલા કાગળના પતંગિયાઓથી ઘેરાયેલું એક બાળક

પેરમ્બલુરમાં મંચ સજાવવા માટે પોતપોતાના પોસ્ટર દોરી રહેલાં બાળકો . કાગળ અને કાપડમાંથી મંચ બનાવવામાં આવ્યો હતો

જવ્વાદ પહાડીઓમાં પોતાની આસપાસના ઝાડની ડાળીઓનો ઉપયોગ કરી એક પ્રાણીની પ્રતિકૃતિ બનાવી રહેલા યેળિલ અન્ના અને બાળકો

નાગાપટ્ટિનમમાં એક શાળાના પરિસરમાં બાળકો સાથે બેઠેલા યેળિલ અન્ના

કાંચીપુરમમાં શ્રવણ - ક્ષતિ ધરાવતા બાળકો માટેની શાળામાં જૂની સીડીનો ઉપયોગ કરીને ઘર બનાવી રહેલા છાત્રાલયના બાળકો

સાલેમની એક શાળામાં પોતાની કલાકૃતિઓ બતાવી રહેલાં બાળકો

સત્યમંગલમમાં શિબિરમાં બનાવેલી કલાકૃતિઓ જોવા પ્રદર્શન દિવસે ગામનું સ્વાગત કરી રહેલા બાળકો સાથે યેળિલ અન્ના

કાવેરીપટ્ટિનમમાં પ્રદર્શન દિવસે એક લોક નૃત્ય , પોયિ કાળ કુત્તુરાઈ અટ્ટમનો પરિચય કરાવી રહેલા યેળિલ અન્ના . પોયિ કાળ કુત્તુરાઈ , અથવા નકલી પગવાળો ઘોડો , પૂંઠા અને કાપડમાંથી બનાવવામાં આવે છે

કાવેરીપટ્ટિનમમાં
શિબિરના
છેલ્લા
દિવસે
યેળિલ
અન્નાની
ટીમ
અને
બાળકો
‘
પપ્રપા
બાય
બાય
,
બાય
બાય
પપ્રપા
’
ની
બૂમો
પાડે
છે
આ લેખક આ નિબંધના અનુવાદમાં કરેલી તમામ મદદ બદલ કવિતા મુરલીધરનના અને ઉપયોગી સૂચનો બદલ અપર્ણા કાર્તિકેયનના આભારી છે.
તા.ક.: આ નિબંધ પ્રકાશન માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે જ, 23 જુલાઈ, 2022ના રોજ આર. યેળિલરસનને ગિયાં-બરે સિન્ડ્રોમનું નિદાન થયું છે, તે એક ગંભીર ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં શરીરનું રોગપ્રતિકારક તંત્ર જ શરીરની ચેતાઓ પર હુમલો કરે છે. આ રોગ પેરિફેરલ નર્વસ સિસ્ટમને અસર કરે છે અને તેના કારણે સ્નાયુઓમાં નબળાઈ આવી શકે છે અને તેનો ભોગ બનેલ વ્યક્તિ લકવાગ્રસ્ત થઈ શકે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક